ઉમાશંકર જોશી જન્મજયંતી
20th July

“વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની!”

આ આહલેક જગાડનાર કવિ અને સાચા અર્થમાં ગુજરાતના સાહિત્ય વારસાને સમૃદ્ધ બનાવનાર ઉમાશંકર જોશી નો જન્મ 21 જુલાઈ, 1911 ના રોજ ગુજરાતના સાબરકાંઠા (હાલના અરવલ્લી) જિલ્લાના ભીલોડા તાલુકાના બામણા ગામે થયો હતો. તેમની માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ હતું. તેઓએ ગુજરાતી સાહિત્યમાં કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, અનુવાદક, વિવેચક તરીકે કામ કરીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.

ઉમાશંકર જોશીને ઇડરમાં માધ્યમિક શિક્ષણ દરમિયાન પન્નાલાલ પટેલ ના સહાધ્યાયી તરીકે તેમજ અમદાવાદમાં કૉલેજકાળ દરમિયાન કાકાસાહેબ કાલેલકર ના અંતેવાસી તરીકે સાથે રહેવાનો અવસર મળ્યો હતો. કોલેજકાળ દરમિયાન તેઓ સત્યાગ્રહમાં પણ જોડાયા હતા. 1928 માં તેમણે લખેલું પ્રથમ સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ ની અંતિમ પંક્તિ  તેમના સમસ્ત જીવનનો જાણે સાર બતાવે છે:
 
સૌંદર્ય પી ઉઝરણ ગાશે પછી આપમેળે
 
કૉલેજના અભ્યાસ બાદ તેઓ મુંબઈની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. તેઓ યુનિવર્સિટીના કુલપતિ તરીકે બે વાર પસંદગી પામ્યા જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે.

ઉમાશંકર જોશીએ વિવિધ સાહિત્ય પ્રકારનું ખેડાણ કર્યું છે. તેમણે 'વિશ્વશાંતિ', 'ગંગોત્રી', 'નિશીથ', 'આતિથ્ય', 'વસંતવર્ષા' જેવા અનેક કાવ્યસંગ્રહો આપ્યા છે. તેમણે બાળસાહિત્યનું પણ સર્જન કર્યું છે. ગુજરાત રાજ્યને ઉદ્દેશીને લખાયેલું "મળતાં મળી ગઇ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે" આ કાવ્ય ખૂબ પ્રસિદ્ધ છે. તેમણે પદ્યનાટકોમાં 'પ્રાચીના' અને 'મહાપ્રસ્થાન' લખ્યાં છે. 'સાપના ભારા', 'શહીદ' જેવી મહત્ત્વની એકાંકીઓ લખેલી છે.

તેમણે 'વાસુકી' અને 'શ્રવણ' ઉપનામથી કેટલીક વાર્તાઓ પણ આપી છે. 'શ્રાવણી મેળો', 'ત્રણ અડધું બે અને બીજી વાતો', 'અંતરાય', 'વિસામો' તેમના વાર્તાસંગ્રહો છે. તેઓ સારા વિવેચક પણ હતા. તેમની પાસેથી 'અખો - એક અધ્યયન', 'અભિરુચિ', 'કવિની સાધના', 'કવિની શ્રદ્ધા' વગેરે વિવેચન સંગ્રહ મળ્યા છે. તેમણે 'કાલિદાસ', 'શેક્સપિયર', 'પ્રેમાનંદ' તથા 'કવિતા વાંચવાની કળા' જેવી પરિચય પુસ્તિકાઓ પણ આપી છે. 'ગોષ્ઠિ', 'ઉઘાડી બારી', 'શિવસંકલ્પ' વગેરે તેમના નિબંધસંગ્રહ છે. તેમણે કરેલ પ્રવાસોના આધારે 'ઈશાન ભારત અને આંદામાનમાં ટહુક્યા મોર', 'યુરોપયાત્રા', 'ચીનમાં ચોપ્પન દિવસ' એ તેમનાં પ્રવાસ પુસ્તકો છે.

તેઓ સારા અનુવાદક પણ હતા. તેમણે મહાકવિ કાલિદાસના 'અભિજ્ઞાનશાકુન્તલમ્' અને ભવભૂતિના 'ઉત્તર રામચરિતમ્' ના ઉત્તમ અનુવાદ કર્યા હતા. આમ ગુજરાતી સાહિત્યનાં લગભગ બધાં જ પાસાં તેમની પ્રતિભાનો સ્પર્શ પામ્યાં છે. તેઓ ગાંધીયુગના શ્રેષ્ઠ સાહિત્યકાર હતા.

તેમને અનેક પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે:
  • 'ગંગોત્રી' માટે શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો.
  • 'નિશીથ' માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો.
  • 'પ્રાચીના' માટે મહિડા પારિતોષિક અને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો હતો.
  • 'કવિની શ્રદ્ધા' માટે સાહિત્ય અકાદમી અને દિલ્હીનો પુરસ્કાર મળ્યો હતો.
  • મરાઠી સાહિત્ય સંઘ સુવર્ણપદક અને સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ મળ્યો હતો
  • 1981 માં વિશ્વગુર્જરીનો એવોર્ડ પણ મળ્યો હતો.
તેઓ 1970 થી 1976 સુધી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના નિયુક્ત સભ્ય હતા. 19 ડિસેમ્બર, 1988 ના રોજ તેમનું અવસાન થયું હતું.