આંતરરાષ્ટ્રીય ચેસ દિન
20th July
ચેસની રમત વધુ ને વધુ લોકપ્રિય બને અને તેમાંથી લોકો મનોરંજન મેળવી શકે એ માટે 20 જુલાઈ ના દિવસને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવામાં આવે છે.

20 જુલાઈ, 1924 ના રોજ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી. આથી યુનેસ્કો દ્વારા 20 જુલાઈને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવાનું સૂચન કરવામાં આવેલ. ત્યાર બાદ 1966 માં 20 જુલાઈને પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવાની શરૂઆત થઇ હતી. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનમાં મોટાભાગના દેશોનું પ્રતિનિધિત્વ છે. આ દિવસે વિશ્વભરમાં ચેસ સ્પર્ધાનું આયોજન થાય છે. 12 ડિસેમ્બર, 2019ના રોજ યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ સર્વાનુમતે આ દિવસને માન્યતા આપતો ઠરાવ મંજૂર કર્યો હતો. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન દ્વારા આ દિવસની ઉજવણી કરવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.

ભારતમાં ચેસને ચતુરંગ અને શતરંજ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ભારતમાં પ્રાચીન સમયથી આ રમત રમાતી આવી છે. શરૂઆતમાં આ રમત રાજવીઓની રમત ગણાતી કારણ કે રમતના મોહરાઓમાં રાજા-રાણી, હાથી, ઘોડા અને સૈનિકોનો સમાવેશ થતો હતો. ચેસ એ બે ખેલાડીઓ વચ્ચે રમાતી બૌદ્ધિક રમત છે. આ રમત માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ સારી ગણવામાં આવે છે. તે સ્મરણશક્તિને સતેજ કરે છે. આ દિવસે વધુને વધુ બાળકો, વ્યક્તિઓ ચેસ રમીને મનોરંજન મેળવે તેવું આયોજન કરવામાં આવે છે. ચેસને તંદુરસ્ત મગજની રમતોની શ્રેણીમાં રાખવામાં આવી છે. ચેસ રમવાથી મગજની ક્ષમતા વધે છે.

વિશ્વનાથન આનંદ એક ભારતીય ચેસ ગ્રાન્ડ માસ્ટર છે, જેઓ પાંચ વખત વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યા હતા. વિશ્વનાથન આનંદે ચેસની રમતમાં સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે.

હાલમાં ચૅન્નઇના આર. પ્રજ્ઞાનંદ, તેમની બહેન વૈશાલી, ગુકેશ, વિદિત ગુજરાથી વિશ્વ સ્તરે યોજાતી ચેસની વિવિધ સ્પર્ધાઓમાં વિજય મેળવી ભારતનું નામ રોશન કરી રહ્યા છે.