આંતરરાષ્ટ્રીય ન્યાય દિન
17th July
આંતરરાષ્ટ્રીય ન્યાય દિન
પ્રતિ વર્ષ 17 જુલાઈ ને આંતરરાષ્ટ્રીય ન્યાય દિન તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વના દેશોની ન્યાયપ્રણાલીની સ્થાપના માટે કરેલી ‘રોમસંધિ'ની વર્ષગાંઠ હોવાથી આ દિવસને આંતરરાષ્ટ્રીય ન્યાય દિન તરીકે સ્વીકારવામાં આવ્યો છે. તેને ઇન્ટરનેશનલ ક્રિમિનલ જસ્ટિસ ડે પણ કહેવાય છે.

માનવ સમાજનું મહત્ત્વનું અંગ છે સભ્યતા. તમામ માનવોને સમાન અધિકારો પ્રાપ્ત થાય તેમજ શોષણથી મુક્ત સમાજનું નિર્માણ થાય ત્યારે જ સભ્ય સમાજ બનાવી શકાય. ઇતિહાસમાં કેટલાક લોકો પર જોર, જુલમ, શોષણ જેવી ઘટનાઓ નોંધાઈ છે તે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. તેથી આ તમામ લોકોને ન્યાય મળે, તેઓ ઉન્નત જીવન જીવી શકે તેમજ માનવીય ગરિમા પ્રાપ્ત કરે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મુખ્યત્વે સમગ્ર વિશ્વમાં ન્યાય માટેની જાગૃતિ ફેલાય તે હેતુથી આ દિવસ ઊજવવામાં આવે છે. ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, લિંગ કે શારીરિક જાતિભેદ વગેરે વિષયો પર અનિચ્છનીય પ્રકારે ચાલી રહેલી તમામ બાબતોનો વિરોધ કરવા તેમજ ન્યાય મેળવવાના હેતુથી સમગ્ર સૃષ્ટિને જાગૃત કરવાનો આ દિવસ છે. સમગ્ર વિશ્વમાં શાંતિ અને આનંદ અવિરત રહે તે માટે સર્વે એકત્ર થઈને ન્યાયની માંગણી કરે છે.

ભારતના બંધારણમાં નાગરિકને નીચે મુજબના મૂળભૂત હક (અધિકાર) આપવામાં આવ્યા છે. પરંતુ સૃષ્ટિમાં માત્ર મનુષ્યો જ નથી રહેતા એ વાત આપણે સૌએ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ.
  • સમાનતાનો હક
  • સ્વતંત્રતાનો હક
  • શોષણ સામે વિરોધનો હક
  • ધાર્મિક સ્વતંત્રતાનો હક
  • સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
  • બંધારણીય ઇલાજોનો હક
સમગ્ર વિશ્વમાં ન્યાય વ્યવસ્થાને વધુ મજબૂત અને અસરકારક બનાવવાના હેતુસર તેમજ ન્યાય પ્રત્યે વ્યક્તિઓને સભાન કરવાના પ્રયત્નોના ભાગરૂપે આ દિવસે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. વિશ્વ શાંતિ અને સલામતી સ્થાપવામાં ન્યાય દિવસ સહાય કરે છે.