કારગીલ વિજય દિન
26th July
1999 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મે થી જુલાઈ મહિના સુધી આશરે 60 દિવસ જમ્મુ કશ્મીરના કારગીલ વિસ્તારમાં યુદ્ધ થયું હતું. જેમાં ભારતનો વિજય થયો હતો.

26 જુલાઇ એ ભારતના પાકિસ્તાન સાથેના કારગીલ યુદ્ધમાં મળેલ વિજયની યાદમાં કારગીલ વિજય દિન ઊજવવામાં આવે છે. 1999માં ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એ કારગીલ વિજય પછી આ દિવસને કારગીલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો.

કારગીલ વિજય દિને કારગીલ યુદ્ધના નાયકોનું સન્માન કરવામાં આવે છે તથા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. આ દિવસ સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. નવી દિલ્હીમાં ભારતના વડાપ્રધાન દર વર્ષે ઇન્ડિયા ગેટ નજીક અમર જવાન જ્યોતિ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે. The War Memorial ખાતે ફ્લેગ ઓફ સેરેમની માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દ્રાસ સેક્ટર (જમ્મુ કશ્મીર) ખાતે પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

કારગીલની ભૌગોલિક સ્થિતિ એવી છે કે દુશ્મનો ગોળી પણ બારૂદના ગોળા સમાન સાબિત થાય છે. હિમાલયની દુર્ગમ પર્વતમાળામાં બે પર્વતો વચ્ચે 4000-5000 ફૂટ ઊંડી ખીણ અને સીધાં ચઢાણો, બરફના ખડકોમાંથી વહેતી હિમનદીઓ, 100 કીમી. ઝડપે સતત ફૂંકાતા પવનો, અલ્પ પ્રમાણમાં મળતો પ્રાણવાયુ અને હવાનું ઓછું દબાણ આ બધી વિકટ પરિસ્થિતિઓમાં જવાનોની આકરી કસોટી થાય છે. આ વિષમ ઉષ્ણતામાનમાં જવાનોએ પોતાની સાથે 20 કિલો જેટલો સામાન ઊંચકવાનો હોય છે. આવી પરિસ્થિતિમાં કારગીલ ક્ષેત્રમાં પાકિસ્તાન સાથે પૂરજોશમાં યુદ્ધ છેડાયું. પાકિસ્તાને પોતાના નિર્ણાયક સ્થળોએ પાકિસ્તાની આર્મી મૂકીને ભારતીય નિયંત્રણવાળા વિસ્તારોમાં વિવિધ વ્યૂહાત્મક બિંદુઓ પર કબજો કર્યો. આ પરિસ્થિતિમાં યુદ્ધની વ્યૂહરચના પણ કુદરતી સંજોગો પ્રમાણે બદલાતી રહે છે. ભારતીય સૈન્યે વળતો મુકાબલો કરીને પાકિસ્તાની ઘૂસણખોરોને પીછેહઠ કરવાની ફરજ પાડી હતી. ભારતે યુદ્ધના બીજા તબક્કામાં વ્યૂહાત્મક પરિવહન માર્ગો કબજે કરીને જવાબ આપ્યો અને પછી ભારતીય વાયુસેનાની મદદથી અંતિમ તબક્કામાં યુદ્ધ સમાપ્ત કર્યું.

યુદ્ધમોરચે ગુજરાતના 12 નવલોહિયા જવાનો એ દેશની રક્ષા કાજે ફનાગીરી વહોરી લીધી હતી. ગુજરાતના વીર નરબંકાઓના પાર્થિવ દેહ આવી રહ્યા હતા ત્યારે તેમની કુરબાની, ગૌરવગાથાથી જનસામાન્યનો જુસ્સો વધી રહ્યો હતો. કારગીલ વિજયમાં ગુજરાતના સૈનિકોનું મહત્ત્વનું યોગદાન હતું. ધન્ય છે વીર જવાનોને. આમ તો લશ્કરની ત્રણેય પાંખમાં ગુજરાતના યુવાનો સૈનિક અને અફસરો તરીકે જોડાયેલા છે. ઘણા ઓછાં લોકોને ખબર હશે કે ગ્રેનેડિયર્સ રેજિમેન્ટની સાતમી પલટન ગુજરાતી છે.

26 જુલાઈ, 1999 ના રોજ કારગીલમાં ભારતને વિજય મળતાં પાકિસ્તાન ધોબીપછાડ ખાઇ ભાગી રહ્યું હતું. ભારતીય જવાનોએ દુર્ગમ વિસ્તાર અને વિકટ પરિસ્થિતિઓમાં પણ વિજય મેળવ્યો. ભારતને વિજય અપાવનાર તમામ જવાંમર્દોને શત શત નમન.