રાષ્ટ્રીય કેરી દિન
22nd July
રાષ્ટ્રીય કેરી દિન
કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે અને કેરીના ચાહકો માટે મહત્ત્વની વાત એ છે કે દર વર્ષે 22 જુલાઇ એ દેશમાં રાષ્ટ્રીય કેરી દિન મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય કેરી દિનની ઉજવણીનો હેતુ લોકોને કેરીની સંસ્કૃતિ, સ્વાદ અને પોષણ વિશે માહિતગાર કરવાનો છે.

ભારતીયોનું લોકપ્રિય ફળ એટલે કેરી. ભારતમાં કેરી વિના ઉનાળાની કલ્પના કરવી અશક્ય છે. ઉનાળો આવતાં જ કેરી ખાવાની ઈચ્છા થવા લાગે છે. ઉનાળામાં આપણા આહારમાં કેરી સૌથી મહત્ત્વની અને પસંદગીની વસ્તુ છે. કેરી કાચી હોય કે પાકી તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરવામાં આવે છે. કાચી કેરીનું કચુંબર, ચટણી, અથાણું કે શરબત વગેરે બનાવવામાં આવે છે તો પાકી કેરીમાંથી રસ, મેંગો શેક, આઇસ્ક્રીમ, કેક, લસ્સી વગેરે અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. તો વળી કેરીની ગોટલીનો મુખવાસ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે તેટલી શરીર માટે ગુણકારી પણ છે. આમ ભારતમાં કેરી મન મૂકીને ખાવામાં આવે છે. ઉનાળાની સીઝનમાં કેરી આપણા પ્રિય ફળોની યાદીમાં ટોચ પર રહે છે. કેરીની લોકપ્રિયતાને કારણે તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. 

ભારતમાં લગભગ 5000 વર્ષથી કેરીની ખેતી કરવામાં આવે છે. રામાયણ અને મહાભારતમાં આંબાના બગીચાનો ઉલ્લેખ છે. આમ્રપાલ, આમ્રપૂરી જેવા શબ્દોનો ઉલ્લેખ સંસ્કૃત સાહિત્યમાં જોવા મળે છે.

ભારતમાં સૌ પ્રથમ કેરી ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં ઉગાડવામાં આવી હતી. શરૂઆતના સમયમાં દક્ષિણ ભારતમાં કેરીને ‘માંગા’ અને ‘આમકાયા’ કહેવામાં આવતી હતી. એવું કહેવાય છે કે વર્ષ 1498 માં જ્યારે પોર્ટુગીઝ વેપારીઓ મસાલાના વેપાર માટે ભારતના કેરળમાં આવ્યા હતા, ત્યારે તેઓ કેરીને ‘માંગા' તરીકે સંબોધતા હતા. ધીમે ધીમે માંગા શબ્દ જ મેંગોમાં પરિવર્તિત થયો. સમય સાથે કેરી તરીકે તેની લોકપ્રિયતા વધવા લાગી.

14મી સદી ની આસપાસ આફ્રિકા માં તેનું વાવેતર શરૂ થયું. 16મી સદી ની આસપાસ કેરી ફિલિપાઇન્સ માં પહોંચી અને અહીં કેરીનાં વૃક્ષો વાવવામાં આવ્યાં. 18મી સદી ની આસપાસમાં કેરી મેક્સિકો માં લોકોની પસંદગી બની ગઈ. આજે કેરી સમગ્ર વિશ્વમાં એક પ્રિય ફળ બની ગઈ છે. લોકો તેને ભેટ તરીકે એકબીજાને આપે છે. આજે વિશ્વમાં કેરીની 1500થી વધુ જાતો છે. ભારતમાં 25 મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે. કેરળ ના કન્નુર જિલ્લાના કન્નપુરમ ને સ્વદેશી કેરી હેરિટેજ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં કેરીની 200 જાતો ઉગાડવામાં આવી છે. કેરી ભારત ઉપરાંત, પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું રાષ્ટ્રીય ફળ છે.

ભારતમાં લગભગ દરેક રાજ્યમાં અનેક પ્રકારની કેરી જોવા મળે છે. કેસર, હાફુસ, લંગડો, રાજાપૂરી, તોતાપૂરી, દશેરી, પાયરી, સરદાર, નીલમ, આમ્રપાલી, નિલ્ફાન્સો, રત્ના, બદામ વગેરે જેવી કેરીની જાત ભારતમાં જોવા મળે છે. ગુજરાતમાં પણ દરેક જિલ્લામાં વધતાં ઓછાં પ્રમાણમાં કેરી થાય છે. તેમાં જૂનાગઢ, વલસાડ કચ્છ વગેરેની કેસર કેરી ખૂબ પ્રખ્યાત છે. દેશ વિદેશમાં કેસર કેરીની ખૂબ માંગ રહેતી હોવાથી તેની નિકાસ પણ કરવામાં આવે છે.